Tapi mitra News-“કોરોના”ના સંભવિતસંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મળેલા દિશાનિર્દેશ અનુસાર તાપી જિલ્લામાં એક સરકારી હોસ્પિટલ સહિત વધુ એક ખાનગી હોસ્પિટલને પણ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરીને જરૂરી સાધન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન અનુસાર તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આવેલી જનરલ હોસ્પિટલને 100 બેડની કોવિડ-19 હોસ્પીટલમાં તબદીલ કરવા સાથે, વ્યારાની કાલિદાસ હોસ્પિટલ ખાતે પણ કોવિડ-19 હોસ્પિટલ કાર્યરત કરી દેવામાં આવી છે. જેની કલેક્ટર શ્રી આર.જે.હાલાણીએ તેમની ટિમ સાથે જાતમુલાકાત લઈ, ઉપયોગી માર્ગદર્શન પૂરું પડ્યું હતું.સદનસીબે તાપી જિલ્લામાં આરોગ્યલક્ષી કોઈ ગંભીર સમસ્યા નથી, પરંતુ સંભવિત કોઈ પણ પ્રકારની પરિસ્થિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે તેમ કલેકટર શ્રી હાલાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે. મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી ડો. નૈતિક ચૌધરી દ્વારા મળેલી વિગતો અનુસાર વ્યારાની જનરલ હોસ્પિટલ તથા કાલિદાસ હોસ્પિટલને કોવિડ-19માં રૂપાંતરિત કરતાં આ બંને હોસ્પિટલોમાં 100/100 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કોવિડ-19 આઇસોલેશન હોસ્પિટલોમાં ઉપલબ્ધ 100 બેડ પૈકી 90 બેડ આઇસોલેશન વોર્ડ અને 10 બેડ આઇ.સી.યુ. વોર્ડ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. આ બંન્ને હોસ્પિટલોમાં જરૂરી સાધન સુવિધાઓ સહિત મેન પાવર પણ રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, તેમ ડો. ચૌધરીએ વધુમાં જણાવ્યુ છે.ઉલ્લેખનીય છે કે, વ્યારાની જનરલ હોસ્પિટલને કોવિડ-19 આઇસોલેશન હોસ્પીટલમાં રૂપાંતરિત કરાતા આ હોસ્પિટલની કોવિડ-19 સિવાયની અન્ય સારવાર સુવિધાઓ વ્યારાની જનક સ્મારક હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવી છે.